kone konun bhan gumawyun hun shun janun tun shun jane! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કોણે કોનું ભાન ગુમાવ્યું હું શું જાણું તું શું જાણે!

kone konun bhan gumawyun hun shun janun tun shun jane!

અરુણ દેશાણી અરુણ દેશાણી
કોણે કોનું ભાન ગુમાવ્યું હું શું જાણું તું શું જાણે!
અરુણ દેશાણી

કોણે કોનું ભાન ગુમાવ્યું હું શું જાણું તું શું જાણે!

આમ સઘળું કેમ લુટાવ્યું હું શું જાણું તું શું જાણે!

રોજ અમસ્તી આંખો નહિતર દરિયો દરિયો રમવાં લાગે!

યાદ હશે શું એવું આવ્યું હું શું જાણું તું શું જાણે!

રોજ વસંતી શમણાંઓનો હઠડેઠઠ દરબાર ભરાતો,

પતઝડને કોણ દોરી લાવ્યું હું શું જાણું તું શું જાણે!

ઢળતી સાંજે ઘરમાં આવી રોજ કબૂતર ઘૂઘવ્યા કરતું,

કેમ અચાનક ઘર બદલાવ્યું હું શું જાણું તું શું જાણે!

આંગળીઓના વેઢાપરથી દિવસો થઇને પંખી ઊડ્યાં,

ટેરવે કયારે આભ વસાવ્યું હું શું જાણું તું શું જાણે!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય - ગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : અરુણ દેશાણી
  • પ્રકાશક : રુપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1981