કોને ખબર
kone khabar
રમેશ પારેખ
Ramesh Parekh

પાંદડું કેવી રીતે પીળું થયું, કોને ખબર?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર?
શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત
એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું, કોને ખબર?
શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?
એને મારું એક મન ઓછું પડ્યું? કોને ખબર?
સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત
ને સવારે આંખમાંથી શું વહ્યું, કોને ખબર?
માછલીએ એકદા જળને પૂછ્યું : તું કોણ છે?
એનો ઉત્તર શોધવા જળ ક્યાં ગયું, કોને ખબર?
મેં અરીસાને અમસ્થો ઉપલક જોયો, રમેશ
કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર?



સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 337)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : 6