kon manshe? - Ghazals | RekhtaGujarati

કોણ માનશે?

kon manshe?

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
કોણ માનશે?
રતિલાલ 'અનિલ'

કંટકની સાથે પ્યાર હતો - કોણ માનશે?

એમાંય કાંઈ સાર હતો - કોણ માનશે?

કે એક વાર બાગમાં આવી હતી બહાર,

દેનાર યાદ ખાર હતો કોણ માનશે?

આવી હતી બહાર કદી ઘરને આંગણે,

ને હું ઘરબહાર હતો-કોણ માનશે?

જન્નતની વાત મેંય પ્રથમ સાંભળી હતી,

હું પણ તહીં જનાર હતો કોણ માનશે?

હારી ગયેલ જિંદગીથી, બોધ દઈ ગયા,

સાર ખુદ અસાર હતો કોણ માનશે?

ખખડી રહ્યાં સુકાયેલાં પાનો પવન થકી,

હસવાનો એક પ્રકાર હતો કોણ માનશે?

હસવું પડ્યું જે કોઈને સારું લગાડવા,

શોકનો પ્રકાર હતો કોણ માનશે?

જેથી હું અંધકારને ભાળી શક્યો નહીં,

જ્યોતિનો અંધકાર હતો કોણ માનશે?

મહેફિલમાં જેણે મારી ઉપેક્ષા કરી ‘અનિલ’,

હૈયામાં એનો પ્યાર હતો કોણ માનશે?

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4