koii maare aangne aave nahiin - Ghazals | RekhtaGujarati

કોઈ મારે આંગણે આવે નહીં

koii maare aangne aave nahiin

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
કોઈ મારે આંગણે આવે નહીં
ભગવતીકુમાર શર્મા

કોઈ મારે આંગણે આવે નહીં;

ઉંબરાને કોઈ સમજાવે નહીં.

સાંકળો ભીડેલી ઉઘડાવે નહીં;

ઓકળીઓ કોઈ મહેકાવે નહીં.

દ્વારના તોરણનું ઠાલું ઝૂરવું;

કોઈ પગરવથી ભરમાવે નહીં.

મોર-પોપટ ક્યારના જંપી ગયા,

હું હીંચકાને ઠેસ થંભાવે નહીં.

છોગલાના રાતા રાતા કલરવો;

કોઈ ટહુકાનેય કોળાવે નહીં.

ને જવાનો નીડ વિખરાઈ જશે;

કોઈ સૂરજનેય સળગાવે નહીં.

રાતરાણી હીબકી પોઢી ગઈ;

ચન્દ્રને કો’ઓરડે લાવે નહીં.

સ્રોત

  • પુસ્તક : બુદ્ધિપ્રકાશ : માર્ચ ૧૯૭૨ (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : યશવંત શુક્લ, મધુસૂદન પારેખ
  • પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા