koi mane ke na mane kaink hardam aapni wachche hatun, chhe ne raheshe - Ghazals | RekhtaGujarati

કોઈ માને કે ન માને કૈંક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે

koi mane ke na mane kaink hardam aapni wachche hatun, chhe ne raheshe

અનિલ ચાવડા અનિલ ચાવડા
કોઈ માને કે ન માને કૈંક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે
અનિલ ચાવડા

કોઈ માને કે ન માને કૈંક હરદમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે,

શ્વાસની સાથે જ અટકે એવું માતમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.

ધોમ તડકાનો મળ્યો અવતાર તમને, ને જનમ પામ્યા અમે ઝાકળ તરીકે;

જીવ ખોઈનેય ના મળવાનું જોખમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.

લાખ કોશિશ બાદ પણ બ્રહ્માંડનાં સંપૂર્ણ તથ્યો કોઈ ક્યાં પામી શક્યું છે?

એમ; ના ઉકલાય એવું કંઈક મોઘમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.

જિંદગીભર મેઘ માફક એકબીજા પર વરસવા ખૂબ તરફડવું પડ્યું છે;

નહિ લખેલું આપણું એ ‘મેઘદૂતમ’ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.

વસવસો ક્યાં રાખવો કે રેશમી ચાદર કદીયે આપણાથી ના વણાઈ,

એવું માની ખુશ થવું કે એક રેશમ આપણી વચ્ચે હતું, છે ને રહેશે.

સ્રોત

  • પુસ્તક : ઘણું બધું છે (પૃષ્ઠ ક્રમાંક 97)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવજીવન પ્રકાશન મંદિર
  • વર્ષ : 2022