કોઈ કોઈ જ રસ્તા કાઢે છે
koi koi ja rasta kadhe chhe
હેમંત પુણેકર
Hemant Punekar
હેમંત પુણેકર
Hemant Punekar
કોઈ કોઈ જ રસ્તા કાઢે છે
બાકી બસ બહાનાં કાઢે છે
લાગ જોઈ પત્તાં કાઢે છે
મન રાતે શમણાં કાઢે છે
આંખ મળી છે માંડ માંડ ને
એમાં એ ડોળા કાઢે છે!
સહેલું સહેલું શિખવાડીને
પેપર એ અઘરાં કાઢે છે!
બહુ ભરાઈ હો જેનામાં
સમય એ સૌની હવા કાઢે છે
પહેલાં રોગ મૂકે માર્કેટમાં
પ્રસરે ત્યારે દવા કાઢે છે
ગરજ હોય જ્યાં સોયની કેવળ
ત્યાં તલવાર ઘણા કાઢે છે
અરજ છે સીધીસટ, હા કહી દે
કેમ તું કુંડાળાં કાઢે છે?
કામ કઢાવી લે સૌ 'હેમંત'
નામ બહુ થોડા કાઢે છે!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
