thay sarkhamni to - Ghazals | RekhtaGujarati

થાય સરખામણી તો

thay sarkhamni to

બેફામ બેફામ
થાય સરખામણી તો
બેફામ

થાય સરખામણી તો ઊતરતા છીએ,

તે છતાં આબરૂને દીપાવી દીધી.

એમના મહેલને રોશની આપવા.

ઝૂંપડી પણ અમારી જલાવી દીધી.

ઘોર અંધકાર છે આખી અવનિ ઉપર,

તો જરા દોષ એમાં અમારો છે.

એક તો કંઈ સિતારા નહોતા ઊગ્યા,

ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.

જગતને અમારું જીવન-બેયમાં,

જંગ જે કંઈ હતો, જાગૃતિનો હતો.

જ્યાં જરા ઊંઘમાં આંખ મીંચાઈ ગઈ,

કે તરત તેગ એણે હુલાવી દીધી.

બીક એક બધાને હતી કે અમે,

ક્યાંક પહોંચી જઈએ બુલંદી ઉપર.

કોઈએ પીંજરાની વ્યવસ્થા કરી,

કોઈએ જાળ પંથે બિછાવી દીધી.

કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા,

પણ ઊભા રહી અમે કોઈને ના નડ્યા.

ખુદ અમે તો પહોંચી શક્યા મંઝિલે,

વાટ કિન્તુ બીજાને બતાવી દીધી.

જોઈને રણ ઉપરનાં સૂકાં ઝાંઝવાં,

અમને આવી ગઈ કંઈ દયા એટલી.

કે નદીઓ હતી જેટલી અંતરે,

આંખ વાટે બધીયે વહાવી દીધી.

કોણ જાણે હતી કેવી વર્ષોજૂની

જિંદગીમાં અસર એક તનહાઈની,

કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું-કેમ છો?

એને આખી કહાની સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈના હાથમાં,

દિલ ગયા બાદ કિંતુ ખરી જાણ થઈ.

સાચવી રાખવાની જે વસ્તુ હતી,

વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

જીવતાં જે ભરોસો હતો ઇશ પર,

મર્યા બાદ બેફામ સાચો પડ્યો.

જાત મારી ભલેને તરાવી નહીં,

લાશ મારી પરંતુ તરાવી દીધી.

સ્રોત

  • પુસ્તક : પ્યાસ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 3