તનાવ રાખું છું
Tanav Rakhu Chhu
મહેશ દાવડકર
Mahesh Davadkar

પારદર્શક લગાવ રાખું છું,
વાયુ જેવો સ્વભાવ રાખું છું.
પાર જઈને હું ત્યાં કરું પણ શું?
બસ હું તો તરતી નાવ રાખું છું.
ખોળિયામાં હવે નથી સીમિત,
કોઈમાં આવજાવ રાખું છું.
રસ પડે તો પતંગિયું થઈ આવ,
ફૂલ જેવો હું ભાવ રાખું છું.
જીવું છું એવું લાગે એથી તો,
રોજ થોડો તનાવ રાખું છું.
મૂળ પકડાઈ જાય પીડાનું,
એથી તાજા હું ઘાવ રાખું છું.
ક્યાંક છલકાઈ જાઉં ના એથી,
હું મને ખાલી સાવ રાખું છું.



સ્રોત
- પુસ્તક : મહેશ દાવડકરની મનમોહક ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : કિરણસિંહ ચૌહાણ
- પ્રકાશક : સાંનિધ્ય પ્રકાશન, સુરત
- વર્ષ : 2011