shunya kartan to - Ghazals | RekhtaGujarati

શૂન્ય કરતાં તો...

shunya kartan to

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
શૂન્ય કરતાં તો...
અમૃત ઘાયલ

કેમ ભૂલી ગયા? દટાયો છું.

ઈમારતનો હું પાયો છું.

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?

અડધોપડધો ઓળખાયો છું.

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!

હું અજબ રીતથી ઘવાયો છું!

આમ તો એક બિંદુ છું કિંતુ

સ્પત સિંધુથી સંકળાયો છું!

સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,

ચંદ્રની જેમ ચોડવાયો છું!

વઢ નથી વિપ્ર, જનોઈ નો,

આમ હું આડેધડ કપાયો છું.

રામ જાણે શું કામ હું મને,

સર્પની જેમ વીંટળાયો છું!

છે પ્રશ્ન: કોણ કોનું છે?

હુંય મારો નથી, પરાયો છું!

સાચું પૂછો તો સત્યના પંથે,

ખોટી વાતોથી દોરવાયો છું!

ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?

આપમેળે ઊંચકાયો છું.

મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,

શૂન્ય કરતાં તો હું સવાયો છું.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ - 2 (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973