lijjat chhe - Ghazals | RekhtaGujarati

લિજ્જત છે

lijjat chhe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
લિજ્જત છે
અમૃત ઘાયલ

ગભરુ આંખોમાં કાજળ થઈ, લહેરાઈ જવામાં લિજ્જત છે.

ચર્ચાનો વિષય હોય ભલે, ચર્ચાઈ જવામાં લિજ્જત છે!

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઈ જવામાં લિજ્જત છે,

હર ફૂલમહીં ખુશ્બો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

પરવાના પોઢી જાયે છે ચિર મૌનની ચાદર ઓઢીને,

હે દોસ્ત, શમાની ચોખટ પર ઓલાઈ જવામાં લિજ્જત છે.

દુ:ખ પ્રીતનું જ્યાં ત્યાં ગાવું શું? ડગલે પગલે પસ્તાવું શું?

જો કે વસમી ઠોકર છે પણ ખાઈ જવામાં લિજ્જત છે.

જે અંધ ગણે છે પ્રેમને તે વાત નહીં સમજી શકે;

એક સાવ અજાણી આંખથી પણ અથડાઈ જવામાં લિજ્જત છે!

બે વાત કરીને પારેવાં થૈ, જાયે છે આડાંઅવળાં,

કૈં આમ પરસ્પર ગૂંથાઈ, વીખરાઈ જવામાં લિજ્જત છે!

સારાનરસાનું ભાન નથી પણ એટલું જાણું છું ‘ઘાયલ’,

જે આવે ગળામાં ઊલટથી ગાઈ જવામાં લિજ્જત છે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 59)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022