hasi laishun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હસી લઈશું

hasi laishun

જયંત શેઠ જયંત શેઠ
હસી લઈશું
જયંત શેઠ

પ્રણયમાં પ્રાણની બાજી લગાવીને હસી લઈશું,

અમારી હારથી તમને હરાવીને હસી લઈશું.

ખુશી જો કોઈ સાંપડશે અમારા શુષ્ક જીવનમાં,

તો આંખોમાં અમે અશ્રુઓ લાવીને હસી લઈશું.

વિધાતાએ લખેલાં દુઃખ અમે કંઈ એમ સ્હેવાના

કે દુઃખથી વિધાતાને રડાવીને હસી લઈશું.

દિલાસો કે દવા નહિ તો ભલે, પણ દષ્ટિ તો કરજો,

તમારાં દર્દ ખુદ તમને બતાવીને હસી લઈશું.

અહીં જાહેરમાં હસવું દીવાનાનો તમાશો છે,

જો હસવું આવશે તો મુખ છુપાવીને હસી લઈશું.

અમારા પર રડે કે ના રડે કોઈ, અમારે શું,

અમે તો જાન ધરતીમાં સમાવીને હસી લઈશું.

શમાની જેમ સળગી રાતભર રડવું નથી ગમતું,

અમે એથી બધા દીપક બુઝાવીને હસી લઈશું.

રડ, દિલ, ભલે ને પ્રેમમાં મંજિલ નથી મળતી,

અમે ખુદ પ્રેમને મંજિલ બનાવીને હસી લઈશું.

પગે અથડાઈ અમને ના પછાડે એટલા માટે,

અમે સૌ પાપ મસ્તક પર ઉઠાવીને હસી લઈશું.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4