khissana ubha kapman chirai jaun chhun, - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખિસ્સાના ઊભા કાપમાં ચીરાઈ જાઉં છું,

khissana ubha kapman chirai jaun chhun,

સતીષ નકાબ સતીષ નકાબ
ખિસ્સાના ઊભા કાપમાં ચીરાઈ જાઉં છું,
સતીષ નકાબ

ખિસ્સાના ઊભા કાપમાં ચીરાઈ જાઉં છું,

રૂમાલ જેમ સાંજના ચોળાઈ જાઉં છું.

કડકડતી ટાઢમાં છે તમાકુનાં ખેતરો,

હું સ્હેજ હૂંફ લઉં તો ધુમાડાઈ જાઉં છું.

સ્ટ્રાઈકરમાં હોઉં છું તો હું એકાગ્ર હોઉં છું,

પણ કુકરીઓમાં સાવ વિખેરાઈ જાઉં છું.

હું સ્ટેજ પર નથી છતાં નક્કી છે મારો રોલ,

પડદો પડે છે ત્યારે હું ઊચકાઈ જાઉં છું.

આંખોની આસપાસ ઊડે છે પતંગિયાં,

પાંપણ જો પટપટાવું તો રંગાઈ જાઉં છું.

વાતાવરણમાં રહું છું તો વાતાવરણની જેમ,

એક્ઝોસ્ટ-ફેનમાંથી હું ફેંકાઈ જાઉં છું.

સ્મરણો ફર્યા કરે છે ઉઘાડા પગે નકાબ,

જોડાની લેસથી હું બંધાઈ જાઉં છું.

સ્રોત

  • પુસ્તક : સાનિધ્ય
  • સર્જક : સતીષ ‘નકાબ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1988