kharun thayun! - Ghazals | RekhtaGujarati

ખરું થયું!

kharun thayun!

હર્ષ બ્રહ્મભટ્ટ હર્ષ બ્રહ્મભટ્ટ

એનું બધું એણે જણાવ્યું, ખરું થયું!

એમાં અમારું નામ આવ્યું, ખરું થયું!

બે-ચાર નાની નાની તિરાડો છુપાવવા,

ઘર તૂટતું તમે બચાવ્યું, ખરું થયું!

એક વાર જો હિસાબ ટહુકાનો ના મળ્યો,

તો વૃક્ષ આખ્ખે-આખ્ખું ઉખાડ્યું? ખરું થયું!

ખટકે સમયની આંખમાં તું, એવું શક્ય છે,

તેં સ્વપ્નમાં ભવિષ્ય વિતાવ્યું, ખરું થયું!

એવા ઘણા મહાન સ્વમાનીઓ પણ મળ્યા,

ક્યારેય ના સ્વમાન બતાવ્યું, ખરું થયું!

“ગરદન કે નાક?” એવું પૂછ્યું એને કોઈએ,

એણે હસીને નાક કપાવ્યું, ખરું થયું!

સ્રોત

  • પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2015