ખરું કહો!
kharun kaho!
દિલહર સંઘવી
Dilhar Sanghavi

તમને પધારવાનો સમય છે? ખરું કહો!
ક્યારેય મારો ભાગ્ય-ઉદય છે? ખરું કહો!
લાવીને આંસુઓને મેં રોક્યાં છે આંખમાં,
પહેલાં તમારી પાસે હૃદય છે? ખરું કહો!
આજે તમારી કેમ ભ્રૂકુટીઓ તંગ છે?
આજે થવાનો જગનો પ્રલય છે? ખરું કહો!
એથી વધારે મારે કશું પૂછવું નથી,
પ્રીતિ તમારો પ્રિય વિષય છે? ખરું કહો!
દેખી અમોને બંધ કરી દ્યો છો બારણાં,
એમાં કશો વિવેક-વિનય છે? ખરું કહો!
ધોખો નહીં કરું અગર હૈયાફૂટો કહો,
મારી કને મારું હૃદય છે? ખરું કહો!
‘દિલહર’ સમયની ચાલતી આ તેજ દોડમાં,
જીવનને જીવવાનો સમય છે? ખરું કહો!



સ્રોત
- પુસ્તક : ધન્ય છે તમને (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : ભરત વિંઝુડા
- પ્રકાશક : રૂપાયતન, જૂનાગઢ
- વર્ષ : 2025