khanjar sudhi gaya - Ghazals | RekhtaGujarati

ખંજર સુધી ગયા

khanjar sudhi gaya

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
ખંજર સુધી ગયા
અમૃત ઘાયલ

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા.

પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો,

એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા.

તું આવશે નહીં હતી ખાતરી છતાં,

નિશદિન હરી ફરી અમે ઉંબર સુધી ગયા.

એવા હતા મનસ્વી કે પ્રેમમાં તો શું,

વેવારમાં ના અમે વળતર સુધી ગયા.

જુલ્ફો કમ નહોતી લગારે મહેકમાં,

મૂર્ખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.

એમ કદાપિ કોઈને લોકો ભજે નહીં,

ખપતું'તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા.

‘ઘાયલ’ નિભાવવી’તી અમારે તો દોસ્તી,

એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022