khabar paDi ke chhuti jashe ajkalman ganth, - Ghazals | RekhtaGujarati

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ,

khabar paDi ke chhuti jashe ajkalman ganth,

મરીઝ મરીઝ
ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ,
મરીઝ

ખબર પડી કે છૂટી જાશે આજકાલમાં ગાંઠ,

હૃદયને ભૂલી ગયા, વાળીને રૂમાલમાં ગાંઠ.

દિલમાં ગૂંચ છે કોઈ, છે ખયાલમાં ગાંઠ,

પણ એની સામે રહે છે બધા સવાલમાં ગાંઠ.

નજર અમારી તો ઊંચી છે, અમને જાણ નથી,

કે કોણ બાંધી રહ્યું છે, અમારી ચાલમાં ગાંઠ.

શ્વાસ સહેલથી ખેંચાય છે, દમ નીકળે,

ગળામાં કેવી બાંધી તમે વહાલમાં ગાંઠ!

પણ એને ખોલવા નવરાશ છે હિંમત છે,

મને ખબર છે કે ક્યાં ક્યાં છે મારા હાલમાં ગાંઠ.

અહીં સમયના સકંજાથી કોણ છૂટે છે?

ઘડી ઘડીની પડેલી છે સાલ સાલમાં ગાંઠ.

તમારી યાદના ફેરાઓ કેવા મંગળ છે!

હજાર બાંધીને છોડી દીધા ખયાલમાં ગાંઠ.

જીવનની દોરી ઉભયની બહુ નિકટ થઈ ગઈ,

પડી જવાની હશે એમાં આજકાલમાં ગાંઠ.

‘મરીઝ’ ગાળીને એમાં પી રહ્યા છો શરાબ,

કદી પીવાની વાળી'તી જે રૂમાલમાં ગાંઠ?

સ્રોત

  • પુસ્તક : સમગ્ર મરીઝ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2009