khabar nathi - Ghazals | RekhtaGujarati

ઘર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી,

ભીતર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી.

સૂકું થયું તોરણ છતાં દેખાય બારણે,

અવસર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી.

ઊખડી રહ્યા છે થર બધા મારી હયાતીના,

ચણતર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી.

યાદો બધી પ્રતિબિંબ રૂપે સાચવી હતી,

ઝુમ્મર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી.

ઊગી જવાની માત્ર મેં ઇચ્છા કરી હતી,

ઘડતર વિશે ઘરમાં રહ્યો તો પણ ખબર નથી.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999