ketlan warse tamare barne ubha rahyan - Ghazals | RekhtaGujarati

કેટલાં વરસે તમારે બારણે ઊભા રહ્યાં

ketlan warse tamare barne ubha rahyan

ચિંતન પરીખ ચિંતન પરીખ
કેટલાં વરસે તમારે બારણે ઊભા રહ્યાં
ચિંતન પરીખ

કેટલાં વરસે તમારે બારણે ઊભા રહ્યાં

હૂંફ ખાતર ઓલવેલા તાપણે ઊભા રહ્યાં

વ્હેણ સામે ના તર્યાં કે વ્હેણ સાથે ના વહ્યાં

ગાલ પર સરક્યા વિના બસ પાંપણે ઊભા રહ્યાં

ઢાળવાને આબેહૂબ શમણાં આંખમાં

જર્જરિત સંબંધના સંભારણે ઊભા રહ્યાં

કાચની આંખે પડળ રંગીન પ્હેરીને પછી

જિંદગીની એક અતિ નાજુક ક્ષણે ઊભા રહ્યાં

છાંયડા ભૂખ્યાં અમે તો ધોમ તડકાનાં મનુજ

વાટમાં વડની ઘટાને કારણે ઊભા રહ્યાં

શબ્દ લાવ્યા જિંદગીમાં લાખ ઝંઝાવાત પણ

જળકમળવત્ મૌનના બસ તાંતણે ઊભા રહ્યાં

ક્યાં હતો અણસાર અમને સૂર્યની તાકાતનો

તીર તરણાંનાં બનાવી રજકણે ઊભા રહ્યાં

જરકસી ઝભ્ભા અને સુરવાલના શોખીન અમે

આંખ મીંચી સાવ કોરે ખાંપણે ઊભા રહ્યાં

શૂળ જેવી વેદના જે ભીંત ખોતરતી હતી

ત્યાં પડછાયા બનીને આપણે ઊભા રહ્યાં

સ્રોત

  • પુસ્તક : ધૂંધળા સ્મરણપટ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સર્જક : ચિંતન પરીખ
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2026