e wat khoti chhe - Ghazals | RekhtaGujarati

એ વાત ખોટી છે

e wat khoti chhe

મનહરલાલ ચોક્સી મનહરલાલ ચોક્સી
એ વાત ખોટી છે
મનહરલાલ ચોક્સી

કવિઓએ કવિતામાં કહી વાત ખોટી છે,

મળે ગમમાં દિલને જિંદગી, વાત ખોટી છે.

પ્રચારક છે બધાયે સત્યનો વેપાર કરનારા,

તમે જે ભરસભામાં સાંભળી વાત ખોટી છે.

તમે આંસુ વહાવ્યાં તો વાતાવરણ કહે છે,

હવાના સૂર વાટે જે મળી વાત ખોટી છે?

હિમાલયની કન્યા કોઈના શિર પર રહે શાથી?

જટામાંથી ગંગા સરી વાત ખોટી છે.

જીવન અર્પણ કરી દીધું છે મેં તો મૂક વાતોમાં,

હૃદયની ભેટ મેં તમને ધરી વાત ખોટી છે.

ઘમંડે રૂપના તમને ભુલાવ્યા છે, હકીકત છે,

નજર મારી નથી કરગરી, વાત ખોટી છે.

તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા છે,

છતાં સૂની કહો છો જિંદગી? વાત ખોટી છે.

વધુ શું બોલશે ‘મનહર! જીવનનું માપ નાનું છે,

તમે કીધું, ગઝલ તમને ગમી, વાત ખોટી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4