આમ તો સામે જ હોઈશ તોય દેખાઈશ નહીં
aam to same ja hoish toy dekhaish nahin

આમ તો સામે જ હોઈશ તોય દેખાઈશ નહીં
aam to same ja hoish toy dekhaish nahin
હર્ષદ સોલંકી
Harshad Solanki

આમ તો સામે જ હોઈશ તોય દેખાઈશ નહીં!
હું હવડ ખંડેરની છું ગંધ- સમજાઈશ નહીં!
હું યુગો જૂના કોઈ પથ્થર ઉપરનો લેખ છું,
હું હજી યુગો સુધી પૂરો ઉકેલાઈશ નહીં!
ઉચ્ચરાઈશ હું પ્રથમ ઉત્તર રૂપે ને એ પછી,
પ્રશ્ન રૂપે હું હજારો વર્ષ પૂછાઈશ નહીં!
ને પછી માયાવી મૃગ થઇને ફરી આવી ચડીશ,
તું ફરી દોડીશ પકડવા ને હું પકડાઈશ નહીં!
ચક્રનો અવતાર છું -ફરતો રહીશ ફરતો રહીશ,
સ્તંભ સ્મરણોનો થઈને ક્યાંય ખોડાઈશ નહીં!
હું વણજની વસ નથી, વેપારમાં વાવર ન તું,
હું કવિનો શબ્દ છું હું વ્યર્થ વપરાઈશ નહીં!
મન નથી મોતી નથી હું કુંભ કે દર્પણ નથી,
ને છતાં ફૂટી ગયો તો જોડ્યો જોડાઈશ નહીં!



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ