kashun kaaran nahotu toy bethaan - Ghazals | RekhtaGujarati

કશું કારણ નહોતું તોય બેઠાં

kashun kaaran nahotu toy bethaan

નીરવ વ્યાસ નીરવ વ્યાસ
કશું કારણ નહોતું તોય બેઠાં
નીરવ વ્યાસ

કશું કારણ નહોતું તોય બેઠાં,

તમે બેઠા હતાં એ જોઈ, બેઠાં.

હતો અંધારપટ જન્મોજનમનો,

નિહાળ્યું તેજ, ને બસ રોઈ બેઠાં.

ફરી આ પહોર ફાટી ગઈ ક-વેળા,

ફરીથી સ્વપ્ન એનું ખોઈ બેઠાં.

હતું કંઈ વાંસળીના સૂર જેવું,

અમે બસ વાંસળીને મોહી બેઠાં.

થયું વીજળીનું અજવાળું ઘડીભર;

અમે એવામાં દોરો પ્રોઈ બેઠાં.

ન જોયું, જે હતું જોવા સરીખું!,

ન જોવાનું હતું, એ જોઈ બેઠાં.

સરે છે જે સતત, સંસાર છે એ,

કોઈ ઊભાં થયા તો કોઈ બેઠાં!

ગઝલ લઈ એમ બેઠાં છો કે 'નીરવ';

કશા મિષ્ટાન્ન લઈ કંદોઈ બેઠાં!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ