kari kalraw nawa nakkor, pelun wriksh ubhun chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કરી કલરવ નવા નક્કોર, પેલું વૃક્ષ ઊભું છે

kari kalraw nawa nakkor, pelun wriksh ubhun chhe

જાતુષ જોશી જાતુષ જોશી
કરી કલરવ નવા નક્કોર, પેલું વૃક્ષ ઊભું છે
જાતુષ જોશી

કરી કલરવ નવા નક્કોર, પેલું વૃક્ષ ઊભું છે,

નજર સામે નખરાખોર, પેલું વૃક્ષ ઊભું છે.

ત્વચા સખ્ત તડકાની હવે ચીરાઈ જાવાની,

લઈને છમ્મલીલાં ન્હોર, પેલું વૃક્ષ ઊભું છે.

હવામાં ભેજ વરતાતાં પ્રસારી ડાળ ઝૂમે છે,

જુઓ, લગભગ બનીને મોર, પેલું વૃક્ષ ઊભું છે.

ખબર પણ નહિ પડે એમ સઘળા પાન લઈ જાશે,

નીકટ આવી રહ્યો છે ચોર, પેલું વૃક્ષ ઊભું છે.

કશી પરવા વગર કાયમ ઇબાદત આભની કરતા,

ઉઠાવી હાથ ઉપરકોર, પેલું વૃક્ષ ઊભું છે.

મને અમથું ઇશ્વરનું બીજું રૂપ ના લાગે,

અહીંયા, ત્યાં ને ચારેકોર, પેલું વૃક્ષ ઊભું છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006