kaphi chhe - Ghazals | RekhtaGujarati

કતલ આશકને કરવાને નિગાહ તલવાર કાફી છેઃ

વિરહના ઝખ્મને કાજે મર્હમ દિદાર કાફી છે!

પરેશાં દિલ દીવાનાને નથી દરકાર જંજીરની;

અમોને ક્યદ કરવાને હૃદયનો તાર કાફી છે!

નથી તસ્બીહ, નહીં સિઝદા, નહીં મતલબ કિતાબોથી;

તસવ્વર દિલ થયું છે આ, બસ! એ તકરાર કાફી છે,

પરેશાં જોઈને મુજને, ન કર તું ઝુલ્મ, અય ઝાલિમ!

ઈલાજે દર્દ દિલને કાજ ફક્ત તુજ પ્યાર કાફી છે!

નથી મુમકીન, અયે દિલબર! નિયત બદલે જરા મારીઃ

ડૂબેલાને બચાવાને, સનમ! તુજ પ્યાર કાફી છે!

ન જા તું જાન છોડીને, અરે! આ ફાની દુનિયામાં;

ઝબેહ કરવા મને તુજ ખંજરે ગુફતાર કાફી છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
  • પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
  • વર્ષ : 1942