કલરવ
kalarav
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
આ અહીં પ્હોંચ્યા પછી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી, આ બધું તો થાય છે!
હાથ હોવાથી જ કંઈ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!
આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કૈં ખૂલી રહ્યું, ક્યાંક કૈંક બિડાય છે!
જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!
શબ્દને અર્થો હતા, ઓગળી કલરવ થયા,
મન, ઝરણ, પંખી, બધું ક્યાં જુદું પરખાય છે!
સ્રોત
- પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 81)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022