kaink antvelaa yatna adhuuraa thayaa hashe - Ghazals | RekhtaGujarati

કૈં અંતવેળા યત્ન અધૂરા થયા હશે

kaink antvelaa yatna adhuuraa thayaa hashe

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કૈં અંતવેળા યત્ન અધૂરા થયા હશે
અમૃત ઘાયલ

કૈં અંતવેળા યત્ન અધૂરા થયા હશે,

કૈં આપ આવવામાં અસૂરા થયા હશે.

અરમાન જ્યારે પ્યાસનાં પૂરાં થયાં હશે,

ત્યારે અમારા જામના ચૂરા થયા હશે.

પાગલ સિવાય કોણ કરે પ્રાણ ઓળઘોળ?

સૌથી પ્રથમ શહીદ એ શૂરા થયા હશે.

આ મારા હાલ આટલા ક્યારે હતા ખરાબ?

સારા થવાની આશમાં બૂરા થયા હશે.

આજેય કેસૂ સાથ હવા ખેલતી હતી,

આજેય લાલપીળા ધતૂરા થયા હશે.

નહિ તો સિતારા હોય નહીં આટઆટલા,

કોઈ વિરાટ સ્વપ્નના ચૂરા થયા હશે.

કોને ખબર કે કોઈને સારું લગાડવા,

‘ઘાયલ’ની જેમ કેટલા બૂરા થયા હશે.

સ્રોત

  • પુસ્તક : આઠોં જામ ખુમારી (પૃષ્ઠ ક્રમાંક 354)
  • સર્જક : અમૃત ઘાયલ
  • પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ