kagDo mari gayo - Ghazals | RekhtaGujarati

કાગડો મરી ગયો...

kagDo mari gayo

રમેશ પારેખ રમેશ પારેખ
કાગડો મરી ગયો...
રમેશ પારેખ

સડકની વચ્ચોવચ્ચ સાવ કાગડો મરી ગયો

ખૂલેખૂલો બન્યો બનાવ કાગડો મરી ગયો

નજરને એની કાળી કાળી ઠેસ વાગતી રહે

જમાવી રીતે પડાવ કાગડો મરી ગયો

કાગડો મર્યો કે એનું કાગડાપણું મર્યું?

તું સિદ્ધ કરી બતાવ કાગડો મરી ગયો

શું કાગડાના વેશમાંથી કાગડો ઊડી ગયો?

ગમે તે અર્થ તું ઘટાવ કાગડો મરી ગયો

શું કામ જઇને બેસતો વીજળીના તાર પર?

નડ્યો છે જોખમી સ્વભાવ, કાગડો મરી ગયો

અવાજ આપી કોણે એના શબ્દ છીનવ્યા હતા?

કરી કરીને...કાંવ...કાંવ...કાગડો મરી ગયો

સદાય મૃતદેહ ચૂંથી કોને એમાં શોધતો?

લઈ બધા રહસ્યભાવ કાગડો મરી ગયો

લ્યો, કાગડો હોવાનો એનો કાર્યક્રમ પૂરો થયો

હવે રાષ્ટ્રગીત ગાવઃ ‘કાગડો મરી ગયો.......

રમેશ, આમ કાગડાની જેમ તું કરાંજ મા.......

You...stop......stop....stop......now

કાગડો મરી ગયો.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 292)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004