કદી તલવારની ધમકી કદી કરમાંહિ ખંજર છે!
kadii talvaarnii dhamkii kadii karmaanhii khanjar chhe

કદી તલવારની ધમકી કદી કરમાંહિ ખંજર છે!
kadii talvaarnii dhamkii kadii karmaanhii khanjar chhe
અમૃત કેશવ નાયક
Amrut Keshav Nayak

કદી તલવારની ધમકી કદી કરમાંહિ ખંજર છે,
ગજબમાં જીવ આશકનો, ડગેડગ દિલ મહીં ડર છે.
ઘડીમાં જીવ જોખમમાં ઘડીમાં જીન્દગી ભયમાં;
૫ડ્યું પર હાથ દિલ શું જીવ આખો સૂળિ ઉપર છે.
ન છૂટે ધ્યાન પ્રતિમાનું ખુદાની યાદ ના આવે,
પડ્યો પથ્થર સમજમાં શું કહે લોકો કે કાફર છે.
જિગરનો દાગ જૂનો છે, નિરાશાનો નમૂનો છે,
સહુ સંસાર સૂનો છે, ઉજડ આશક તણું ઘર છે.
તમે ધનવાન છો તો મુજસમા લાખો ભિખારી છે;
કમાઈ રૂપનીમાં આશકોનો લાગને કર છે.
હૃદય ચાહે સદા જેને દયા આવે નહીં તેને;
બળ્યું એ જીવવું એના થકી મરવું જ બિહતર છે.
નહીં ભૂલું અમૂલું મુખ કદી ડૂલું થયું તો શું!
કપાઈ સર સરાસર બોલશે બસ તું જ સરવર છે.
ઉઠ્યો ચમકી હું રાતે વસ્લની જાહિદ તણું બાંગો;
અહીં તકબીરના શબ્દો સદા અલ્લાહ અકબર છે.
ન કર અમૃત શિકાયત કે એ બુત પત્થરો છે બસ;
હૃદય તુજ મીણનું રાખ્યાથી તારો હાલ અબતર છે.



સ્રોત
- પુસ્તક : ભારતદુર્દશા નાટક અને અન્ય પ્રકીર્ણ લેખો તથા કાવ્યોનો સંગ્રહ (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ઠક્કુર નારાયણ વિસનજી ચતુર્ભુજ
- પ્રકાશક : ત્રાગાળા મિત્રમંડળ
- વર્ષ : 1909