kadii je jhankhi aevii aa jindagii na rahii - Ghazals | RekhtaGujarati

કદી જે ઝંખી’તી એવી આ જિંદગી ન રહી

kadii je jhankhi aevii aa jindagii na rahii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
કદી જે ઝંખી’તી એવી આ જિંદગી ન રહી
હરીન્દ્ર દવે

કદી જે ઝંખી’તી એવી આ જિંદગી ન રહી,

હવે તો સુખની ક્ષણોમાંય દિલ્લગી ન રહી.

મીંચું છું આંખ ઉઘાડું છું, હોઠ ફફડે છે,

હતી જે પહેલાં હવે એવી બંદગી ન રહી.

હવે તો જે જે બને એ સહન કરી લઉં છું,

હતી ખુમારીમાં ક્યારેક સાદગી ન રહી.

એ સત્ય છે કે મેં જાતે કશું કહ્યું જ નથી,

છતાં એ વાત તમારાથી ખાનગી ન રહી.

સમય ઉપર તો હતો કેટલો મદાર છતાં

ખરે વખત એ ક્ષણો કોઈની સગી ન રહી.

પ્રભુના ક્રમમાં સહજ મોત લખાયું તો હતું,

એ વાત બીજી છે, ધીરજ આ ત્યાં લગી ન રહી.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ