Kachchnu pani - Ghazals | RekhtaGujarati

કચ્છનું પાણી

Kachchnu pani

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
કચ્છનું પાણી
અમૃત ઘાયલ

ભાંભરું તોયે ભીંજવે ભાવે,

વણબોલાવ્યું દોડતું આવે

હોય ભલે ના આંખની ઓળખ,

તાણ કરીને જાય એ તાણી,

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,

હેતની તાળી હેતથી દેતું.

હેત હરખની અસલી વાતું,

અસલી વાતું જાય ન નાણી

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,

પંખી જેમ કલ્લોલતું જાયે,

ગુંજતું જાયે ફૂલનું ગાણું,

વેરતું જાયે રંગની વાણી

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી!

સ્નેહનું પાણી શૂરનું પાણી,

પોતના પ્રચંડ પૂરનું પાણી,

હસતું રમતું રણમાં દીઠું,

સત અને સિન્દૂરનું પાણી

વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

રસપ્રદ તથ્યો

અગ્નિ, 1982, પૃ. 26

સ્રોત

  • પુસ્તક : ગૂર્જર અદ્યતન કાવ્ય સંચય (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોશી, શ્રદ્ધા ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1998