duniyaman etle - Ghazals | RekhtaGujarati

દુનિયામાં એટલે

duniyaman etle

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
દુનિયામાં એટલે
બરકત વીરાણી 'બેફામ'

દુનિયામાં એટલે અમે ભૂલા પડ્યા નહીં,

તારી ગલી સિવાય બીજે આથડ્યા નહીં.

મારો અવાજ ક્યાંક દબાઈ ગયો હશે,

મારી પુકારના કોઈ પડઘા પડ્યા નહીં.

ધુમ્મસ બની અમે તો ધરા પર રહી ગયા,

વાદળ બની કદીય ગગનમાં ચડ્યા નહીં.

મનમાં રાખી લીધી અમે મનની વાતને,

કે એકલા હતા ને છતાં બડબડ્યા નહીં.

રસ્તા મૂકી દીધાનો ફક્ત વાંક ના જુઓ,

એની કદર કરો કે કોઈને નડ્યા નહીં.

જ્યાં ત્યાં પડી જતા, હતી પ્યાસની અસર,

પીધા પછી કદીય અમે લડખડ્યા નહીં.

એકેક વેંત ઊંચા બધા ચાલતા હતા,

તારી ગલીમાં કોઈનાં પગલાં પડ્યાં નહીં.

‘બેફામ’ના સગડ મળ્યા કેવળ કબર સુધી,

બસ પછી ક્યાંય કોઈને જડ્યા નહીં.

સ્રોત

  • પુસ્તક : કેટલું થાકી જવું પડ્યું...(ચૂંટેલી ગઝલો) (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ડૉ. એસ. એસ. રાહી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2022