કાપ કરવત કાપ, મારા આંગળાની છાપને
Kaap Karvat Kaap, Mara Angala Ni Chhap Ne
ચિનુ મોદી
Chinu Modi
ચિનુ મોદી
Chinu Modi
કાપ કરવત કાપ, મારા આંગળાની છાપને
હું કબૂલું છું, ગુલાબો ચૂંટવાનાં પાપને.
સૂર્યનો સિક્કો ઉછાળ્યો, મેં, હવામાં, એ પછી
રાતદિન, દિનરાતના ભૂલી ગયો છું માપને.
ભેજ આંખોમાં લઈને આવનારાં ઓ સ્મરણ!
સ્હેજ તો સમજો તમે, બે આંખના સંતાપને
શું કહું કેવું ઝનૂની છે અવાજોનું વલણ
સાત ભવના એક સાથે ઉચ્ચરે છે શાપને.
વ્હાલા સંગાથે થયાં અદૃશ્ય, સરિતાસુંદરી!
આપને, 'ઇર્શાદ', શોધે છે, હજીયે આપને.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1980 (પૃષ્ઠ ક્રમાંક 35)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
