કાંટાના ડંખ સાથ છે ફૂલોનું ઝેર પણ—
kaantaanaa dankh saath chhe phuulonun jher pan

કાંટાના ડંખ સાથ છે ફૂલોનું ઝેર પણ—
kaantaanaa dankh saath chhe phuulonun jher pan
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

કાંટાના ડંખ સાથ છે ફૂલોનું ઝેર પણ—
વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ?
તણખા છે સંસ્કૃતિના, કળિયુગનો વાયરો,
જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ.
દૃષ્ટિની સાથ સાથ પડળ પણ છે આંખમાં,
જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ.
આવ્યા, તમાશો જોયો અને લીન થઈ ગયા,
ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ.
શંકર બધું જ પી ન શક્યા શૂન્ય એટલે
આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 351)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ