કાલ મળશું, જા હવે આજે નહિ
kaal malshun, jaa have aaje nahi
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi

કાલ મળશું, જા હવે આજે નહિ,
આવો કંટાળો તને છાજે નહિ.
તું ભલા માણસ ફરિશ્તો થૈ ગયો,
આજથી તું મારા દરવાજે નહિ!
છાંયડો જોઈને બેસી ના જતો,
યાર! જોજે, મિત્રતા લાજે નહિ.
કોઈ મીરાં કે કોઈ શંકર તો શું,
સાપને પણ ઝેર તું પાજે નહિ.
એજ વાદળ જોઈએ મારે ખલીલ!
જે સતત વરસે અને ગાજે નહિ.



સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 94)
- સર્જક : ખલીલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
- વર્ષ : 2000