juo ajwalun phelai rahyun chhe - Ghazals | RekhtaGujarati

જુઓ અજવાળું ફેલાઈ રહ્યું છે

juo ajwalun phelai rahyun chhe

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
જુઓ અજવાળું ફેલાઈ રહ્યું છે
આદિલ મન્સૂરી

જુઓ અજવાળું ફેલાઈ રહ્યું છે

જુઓ અંધારું શરમાઈ રહ્યું છે

જુઓ ચમકી રહ્યો છે એક તારો

મળસ્કું જાણે મલકાઈ રહ્યું છે

હજીયે શોધ ચાલે છે કોઈની

હજીયે કોઈ સંતાઈ રહ્યું છે

ધપે છે એક પડછાયો ક્ષિતિજ પર

જગત પાછળ ધકેલાઈ રહ્યું છે

ગગનના આવરણ પાછળથી જાણે

કોઈનું રૂપ છલકાઈ રહ્યું છે

તમે બેસી રહ્યા છો દ્વાર ભીડી

ગલીમાં લોહી રેડાઈ રહ્યું છે

તમે અટકાવ્યું જેને હોઠ પાછળ

હવે હાથોથી કહેવાઈ રહ્યું છે

તમે શબ્દોથી જેને દૂર રાખ્યું

હવે આંખોથી છલકાઈ રહ્યું છે

તમે તળિયે મૂકી આવ્યા’તા જેને

પરપોટામાં ડોકાઈ રહ્યું છે

તમે જેને શિખરનું મૌન સમજ્યા

તળેટીમાં તે પડઘાઈ રહ્યું છે

તમે સૂરજનો રથ રોક્યો હતો પણ

જુઓ અજવાળું ફેલાઈ રહ્યું છે

તમે ગુમ થૈ ગયા ક્યાં પાછા આદિલ

તમારું નામ બોલાઈ રહ્યું છે

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996