વૃત્તગઝલ
vruttghazal
રમેશ પારેખ
Ramesh Parekh

ધીરે ધીરે સતત સપનાં ખૂટવાની કથા છે
આંખો શું છે, બસ તરડ છે, તૂટવાની કથા છે
કોને કોની સરહદ ગ્રસી જાય છે એ પૂછો મા
શ્રદ્ધા આખ્ખા નગર પરથી ઊઠવાની કથા છે
ઝોબો આવે જડભરત આ શ્વાસને કોઈવાર
બાકી આ તો અઢળક પીડા ઘૂંટવાની કથા છે
આંખોને અંગત પગરખા જેવું આંસુ મળ્યું’તું
તેને આ કંટક-નગરમાં લૂંટવાની કથા છે
આપી જેને બચપણ અમે વેદના આ લીધી છે
એ કાળાપથ્થર સમયથી છૂટવાની કથા છે
આ બાજુ જંગલદહન દેમાર ચાલુ, રમેશ
આ બાજુ કૂંપળ અવનવી ફૂટવાની કથા છે.



સ્રોત
- પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 349)
- સર્જક : રમેશ પારેખ
- પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
- વર્ષ : 2014
- આવૃત્તિ : 6