joyun - Ghazals | RekhtaGujarati

ક્ષિતિજ પર આભ ને ધરતીનું આભાસી મિલન જોયું!

હકીકતથી કઈ જુદું જીવાતું જીવન જોયું!

ઉમળકાનું વહન જોયું ને દૃષ્ટિનું નમન જોયું!

નરી વ્યવહારિતાનું સંયમી સ્મિતમાં સૂચન જોયું!

નજરની મોટી થાપ કે ભોળું વદન જોયું!

અને સાકાર થાતું જિન્દગીનું ત્યાં સ્વપ્ન જોયું!

અભાવે યોગ્યના સન્માન સાંપડતું બીજાઓને

અમાસે તારલાઓનુંય કીધેલું જતન જોયું!

ખુમારીના ચમન પર પાનખર વ્યવહારની બેઠી

નજર સામે એકેએક મુરઝાતું સુમન જોયું!

રસળતો લય હજી મારા જીવન-ગીતે નથી સાધ્યો

અનેકો પંક્તિઓમાં છિન્ન વેરાતું કવન જોયું!

હવે ધીરજ બધીયે ખોઈ બેસું તો નવાઈ ના

ઘણું છે કે ઉદાસીન ભાવથી આવાગમન જોયું!

અહીં ખુદ હું બદલાઉં કદી બદલાય ના દુનિયા

રદીફ જેવા જગતનાં કાફિયા જેવું જીવન જોયું!

સ્રોત

  • પુસ્તક : મધુવન
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4