samje chhe - Ghazals | RekhtaGujarati

શ્વાસ જેને શરીર સમજે છે.

લોક એને મશીન સમજે છે!

આગિયો તેજપુંજ સૂરજને,

આજ એનો હરીફ સમજે છે!

કોઈ પૂજા કરે છે ધરતીની,

કોઈ કેવળ જમીન સમજે છે!

જીવવું એટલે ઓગળવું,

એટલું સત્ય મીણ સમજે છે.

ગૂઢ ભાષા નથી ઉકેલાતી,

માણસો ગાજવીજ સમજે છે!

મૌન રહી જુએ છે તાસીરો,

આમ, સઘળું ફકીર સમજે છે.

સ્રોત

  • પુસ્તક : એકાકાર (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સર્જક : નીતિન વડગામા
  • પ્રકાશક : Zen Opus
  • વર્ષ : 2024