manas howun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માણસ હોવું

manas howun

હેમંત દેસાઈ હેમંત દેસાઈ
માણસ હોવું
હેમંત દેસાઈ

પડી જવાનું ઊભા થવાનું, ભાન હોવું માણસ હોવું,

ગમેતેમના ગબડ્યાનું વરદાન હોવું માણસ હોવું.

ચડતા શિખરે, પડતા નીચે, પડતા ખીણમાં, ચડતા ઊંચે

મચ્યા રહ્યાનું લગાતાર બસ, ધ્યાન હોવું માણસ હોવું.

ઈટ્ટાકિટ્ટા કર્યે જવાનાં, ખર્ચે જવાનાં ખોખો ખેલી,

મોટેરા મનસૂબાથી બળવાન હોવું માણસ હોવું.

ચરણ રુકે ત્યાં સ્વાગત ઝીલતાં દુનિયામાં ફૂલ્યાં ફરવાનું

પોતાના ઘરમાં જાણે મહેમાન હોવું માણસ હોવું.

મહામોલનાં શિર દઈ દેતાં હસતાં હસતાં ક્ષણમાં તેને

સસ્તાં સસ્તાં જીવનનું અભિમાન હોવું માણસ હોવું.

સમજણની સિદ્ધિના વડલા વિસ્તાર્યા નિત કરવા પડતા

તોય વખત પર નિરાધાર નાદાન હોવું- માણસ હોવું.

ખૂબીખામીના જુદા તોલથી સ્વજનપરાયાં જોખ્યાં કરવાં

ઢળ્યાં અહીં કે તહીં બધે વેરાન હોવું માણસ હોવું.

હારજીતના ભેદ ભુલાવે એવા યુદ્ધે હોમાયાં-નું

મળે તેમના જીવ્યાનું સન્માન હોવું માણસ હોવું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 366)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004