karmo lakhi laine - Ghazals | RekhtaGujarati

કર્મો લખી લઈને

karmo lakhi laine

જલન માતરી જલન માતરી
કર્મો લખી લઈને
જલન માતરી

સતાવ્યા સારા ઈન્સાનોને તેં પયગમ્બરી દઈને,

તને શું શોભતું’તું આવું કરવાનું ખુદા થઈને?

કયામતમાં તને રસ છે, અને મુજને છે જીવનમાં,

પછી શું કામ આવું ત્યાં હું, મોંઘા પ્રાણને લઈને?

બધાને મારે છે, શયતાનને મારી નથી શકતો,

મરણથી દૂર રહેવાને રહો શયતાન થઈ જઈને.

ખુદા એવા જનોને નર્કમાં નાખીને શું કરશો?

ફરે છે જે જગે કેવળ શરીરે હાડકાં લઈને.

અસર ના ઝેરની શંકરને થઈ વાત જુદી છે,

હકીકતમાં તો પીવું પડ્યું’તું સંજોગ-વશ થઈને.

ઉપરવટ જઈને કંઈ સારું કરું તો દોષ લેખાશે,

જનમ દીધો છે દુનિયામાં, પ્રથમ કર્મો લખી લઈને.

ગમે તેવા સ્વરૂપે હું નહિ છોડું ધરતીને,

મરણની બાદ પણ રહેવાનો છું અહંયાં કબર થઈને.

‘જલન’ના પ્રાણ જેવા પ્રાણ જાશે તારું શું જાશે?

ઉપરથી રહી જશે મારાં સ્વજન થોડું રડી લઈને.

સ્રોત

  • પુસ્તક : જલન (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : જલન માતરી
  • પ્રકાશક : દુર્રેસહેવાર જ. માતરી
  • વર્ષ : 1984