e amari jindgi chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એ અમારી જિંદગી છે

e amari jindgi chhe

ખલિશ બડોદવી ખલિશ બડોદવી
એ અમારી જિંદગી છે
ખલિશ બડોદવી

કમી તુજમાં કંઈ નથી, તો કહે મુજમાં શું કમી છે?

જો મળ્યું છે રૂપ તુજને, તો મને નજર મળી છે.

નથી મોતનો હવે ગમ, મને તારી યાદના સમ,

તારા પ્રેમમાં મરીને મને જિંદગી મળી છે.

તું કરે છે શાને ચિંતા, જો દુઃખી છે મારું જીવન,

છે ખુશી મને જોઈ તારી જિંદગી સુખી છે.

ચમન, ચાંદ, તારા, બહાર, મદિરા,

હવે આપ આવી જાઓ, હવે એક કમી છે.

મેં સહ્યાં છે એટલાં દુઃખ કે દુઃખો બની ગયાં સુખ,

હું હસી પડ્યો છું, જ્યારે મારી જિંદગી રડી છે.

સમયની છે ઇનાયત થઈ એવી મારી હાલત,

તારી યાદથીય નફરત ઘણી વાર મેં કરી છે.

સભા અને સાકી નથી આજ કોઈ બાકી,

જે હતી જીવનમાં પહેલાં, બહાર ક્યાં રહી છે?

'ખલિશ' અમે કવિઓ લખીએ છીએ કવિતા,

નથી ફક્ત કવિતા, અમારી જિંદગી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4