જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું
jivan-maran chhe chhe ek bahu bhagyavant chhu
મરીઝ
Mariz
મરીઝ
Mariz
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
ખુશબૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી, હું વીતેલી વસંત છું.
હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું.
બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું,
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.
મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું.
રસ્તે પલાંઠી વાળીને બેઠો છું હું, 'મરીઝ',
ને આમ જુઓ તો ન સાધુ ન સંત છું.
સ્રોત
- પુસ્તક : પુનરાગમન (પૃષ્ઠ ક્રમાંક 237)
- સંપાદક : અપૂર્વ આશર
- પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ
- વર્ષ : 2017
