jindgiine ae rite pan jiivii letaa hoy chhe - Ghazals | RekhtaGujarati

જિન્દગીને એ રીતે પણ જીવી લેતા હોય છે

jindgiine ae rite pan jiivii letaa hoy chhe

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
જિન્દગીને એ રીતે પણ જીવી લેતા હોય છે
રાકેશ હાંસલિયા

જિન્દગીને એ રીતે પણ જીવી લેતા હોય છે,

આખરે સામાન બાળી તાપી લેતા હોય છે!

મહેલના ભંડારમાંથી પણ મળે ના તત્ત્વ જે,

બાળકો એ ધૂળમાંથી શોધી લેતા હોય છે!

ચાંદ, સૂરજ, નક્ષત્રો, આકાશગંગા ને ગ્રહો,

ઓલિયા તો બેઠા-બેઠા સ્પર્શી લેતા હોય છે.

હોય ટીપું કે સમંદર, ફર્ક એને શું પડે?

હો ગજું એ તો ગમે ત્યાં ડૂબી લેતા હોય છે

એટલે મંદિર જવાનીયે જરૂર પડતી નથી,

એના ઘર સામે આ ચરણો થંભી લેતા હોય છે.

આમ જુઓ તો નથી હોતી કમી અજવાસની,

માણસો અંધારને ખુદ સર્જી લેતા હોય છે.

પૂછતાં નહીં એના ચહેરાની ચમકના કારણો,

એ તો કાયમ આંસુઓમાં નાહી લેતા હોય છે.

સારું છે કે તારા ધરતીથી ધણાંયે દૂર છે,

માણસો કંઈ પણ ખરીદી વેચી લેતા હોય છે.

સ્રોત

  • પુસ્તક : પદ્ય : જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ અંક ૯ (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ, ધ્વનિલ પારેખ
  • પ્રકાશક : પોતે