જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી
Jindagi Khas Tya Nathi Pahochi
માર્ગી દોશી
Margi Doshi
માર્ગી દોશી
Margi Doshi
જિંદગી ખાસ ત્યાં નથી પહોંચી,
જે ઘરોમાં કલા નથી પહોંચી.
અંગ શું! આત્મા શું! અંતર શું!
બોલ કે ક્યાં ઈજા નથી પહોંચી?
છે ઘણી ફૂટપાથ એવી જ્યાં
દૃષ્ટિ પહોંચી, દયા નથી પહોંચી.
ધૂપ, દીવા, પ્રસાદ પહોંચ્યા પણ
આપણી આસ્થા નથી પહોંચી.
કોઈ એવું બતાવો સાહસ જ્યાં
હદ વળોટીને ‘મા’ નથી પહોંચી.
હોય સંબંધ સાવ 'ઘર જેવા'
ત્યાંય સંવેદના નથી પહોંચી.
ભર બપોરે પરબ તડપતી‘તી,
એક પણ કાં તૃષા નથી પહોંચી!
સમજી લો, જો છવાય સન્નાટો
આ ગઝલમાં સભા નથી પહોંચી.
સ્રોત
- પુસ્તક : નવનીત સમર્પણ : સપ્ટેમ્બર ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 15)
- સંપાદક : દીપક દોશી
- પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન
