jiivan chhe chaar dinnun, thaii na aenii jaan pan amne - Ghazals | RekhtaGujarati

જીવન છે ચાર દિનનું, થઈ ન એની જાણ પણ અમને,

jiivan chhe chaar dinnun, thaii na aenii jaan pan amne

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
જીવન છે ચાર દિનનું, થઈ ન એની જાણ પણ અમને,
બરકત વીરાણી 'બેફામ'

જીવન છે ચાર દિનનું, થઈ ન એની જાણ પણ અમને,

જમાનાએ દીધું જીવવા ફક્ત બે-ચાર ક્ષણ અમને.

તમે નહિ દોરશો તો ચાલશું પદ-ચિહ્ન જોઈને,

નહીં મળશે તમારો હાથ તો મળશે ચરણ અમને.

અમારી જિંદગીમાં કેમ છે દિવસેય અંધારું?

સૂરજના ડાઘમાંથી તો નથી મળતાં કિરણ અમને?

સતત દિનરાત દુનિયાના તમાશા કેમ જોવાતે?

એ સારું છે કે છે પાંપણ સમું એક આવરણ અમને.

ભરી'તી જે મગજમાં, એ હવાથી શ્વાસ લીધા છે,

જગતમાં તો હતું ગુંગળાવતું વાતાવરણ અમને.

હવે પીવું નથી કિન્તુ તરસથી હાથ ધોવા છે,

હવે તો દ્યો કોઈ આ ઝાંઝવામાંથી ઝરણ અમને.

જગા ન્હોતી ચમનમાં ને જનાઝા પર ફૂલો પામ્યા,

ગનીમત છે-જીવન કરતાં મળ્યું સારું મરણ અમને.

હતો એ તાપ, સામે કોઈ ન્હોતું જોઈ પણ શક્યું,

તમાશો થઈ ગયો લોકોમાં જ્યાં લાગ્યું ગ્રહણ અમને.

નહીં તો છે બધી રીતે ગગનગામી સફર બેફામ,

નડે છે આ ધરાની ધૂળના થોડાક કણ અમને.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2023