જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી
jiit pan maarii hatii ne haar pan maarii hatii

જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી
jiit pan maarii hatii ne haar pan maarii hatii
મિતા ગોર મેવાડા
Mita Gor Mevada

જીત પણ મારી હતી ને હાર પણ મારી હતી,
જે કટારી વાગી એની ધાર મેં કાઢી હતી.
સાંભળી કોઈ ટકોરાં, દોડી ગઈ હું ખોલવા,
જેને દરવાજો હું સમજી, એ તો એક બારી હતી.
તારા મારાના બધાયે ભેદ ભૂંસાઈ ગયા,
મેં કરી પૂરી જે એ ઇચ્છાઓ તો તારી હતી.
વાટ જોઈ જેની એ તો આંગણે આવ્યા નહીં,
દ્વાર ખુલ્લા જોઈ એકલતા ભીતર આવી હતી.
એમણે સર કરવા શિખર, મારી જેને ઠોકરો
એ નીચે દદડી જનારી, મારી ખુમારી હતી.
પ્યાદું સીધું ચાલતું હું, પામુ કઈ રીતે તને?
તારા સુધી પહોંચતી રેખાઓ સૌ વાંકી હતી.
થઈ શકી ના પુખ્ત મારી વેદનાઓ, કેમ કે,
એની માતા ઝંખનાની વય હજી કાચી હતી.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ