jher - Ghazals | RekhtaGujarati

ઝેર જાણી ચાખી જોવું જોઈએ

શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ

હું નથી એવા સમયના સ્થળ વિશે

કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં

લોહી જેવું લાવી જોવું જોઈએ.

તું નગદ લેખીને સંઘરતો નહીં

છે સ્મરણ? તો નાણી જોવું જોઈએ.

ઠાઠ ભપકા છે ‘ઇર્શાદ’ના

ઘર બળે તો તાપી જોવું જોઈએ.

(ઓગસ્ટ’૭૭, મે’૧૧)

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012