jhanjhwa dhasshe dhasarabandh to? - Ghazals | RekhtaGujarati

ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?

jhanjhwa dhasshe dhasarabandh to?

ચિનુ મોદી ચિનુ મોદી
ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?
ચિનુ મોદી

ઝાંઝવા ધસશે ધસારાબંધ તો?

(ને) તોડશે એ પાંપણોના બંધ તો?

આંખમાંથી આંસુઓ લૂછો નહીં

તૂટશે પેલો ઋણાનુંબંધ તો?

શ્વાસમાં છલકાય છાની ગંધ તો?

ને બધે ચર્ચાય આ સંબંધ તો?

કંઠથી છટક્યો ટહુકો મોરનો

ડાળ પરથી એ મળે અકબંધ તો?

તું જવાનો દિન મુકરર કર અને

ચાલવા પર આવશે પ્રતિબંધ તો?

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને

કોક દરવાજો કરી દે બંધ તો?

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012