જેસલ
jesal
જુગલ દરજી
Jugal Darji

મૂછનાં વળ ઉતારો જેસલ,
તો દેખાશે આરો જેસલ.
ક્યાં સુધી ઉપાડી ફરશો?
મનછાઓનો ભારો જેસલ.
તંબૂરાનાં તારા આગળ,
બુઠ્ઠાં સૌ હથિયારો જેસલ.
એકલ આવ્યા એકલ જાશું,
કોનો અહીં સથવારો જેસલ!
અજવાળાને ખેંચી લાવે,
અંતરનો કેદારો જેસલ.
હાથ બળે તો બળવા દેજો,
ભીતર ભડકો ઠારો જેસલ.
ભવસાગરની પાર ઉતારે,
અલખનિરંજન નારો જેસલ.



સ્રોત
- પુસ્તક : પહેરણ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : જુગલ દરજી
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકેશન
- વર્ષ : 2023