જેને પૂરપાટ મેં ભગાડી છે
Jene Purpat Me Bhagadi Chhe
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
જેને પૂરપાટ મેં ભગાડી છે,
પગ કે પૈડાં વિનાની ગાડી છે.
સુખની મેં છાલકો ઉડાડી છે,
વેદનાઓને પણ રમાડી છે.
દિલની દીવાલ પાડવા માટે
મેં ફક્ત આંખને અથાડી છે.
શ્વેત કાગળની કોરી ધરતી પર,
રક્ત સીંચી ગઝલ ઉગાડી છે.
એય શોધે છે નોકરી, જેને,
ઘરનું ખેતર છે, ઘરની વાડી છે.
શુદ્ધ ઉચ્ચાર ક્યાં વિવેચકના,
એમની જીભ ખૂબ જાડી છે.
પેટની બળતરા નથી ઓછી,
દિલમાં ક્યાં આગ તેં લગાડી છે.
કેમ ના વંદે માતરમ્ કહીએ,
યાર! ધરતી અમારી માડી છે.
સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 104)
- સર્જક : ખલિલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 2000
