જે થવાનું થૈ ગયું છે, થાય શું!
Je Thavanu Thai Gayu Chhe, Thay Shu?
આતિશ પાલનપુરી
Aatish Palanpuri

જે થવાનું થૈ ગયું છે, થાય શું!
ને હવે એના ગયાની લ્હાય શું!
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું!
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું!
જે અહમ્ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું!
સાવ ખાલી હાથ 'આતિશ' જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું!



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 220)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ